FAQs on Joining the Ramakrishna Order (Gujarati)


Read in  English  |  हिंदी  |   বাংলা  | தமிழ்  |  తెలుగు  |  മലയാളം  |  ଓଡ଼ିଆ  |  मराठी  |  ಕನ್ನಡ  |  অসমীয়া  


રામકૃષ્ણ સંઘમાં જોડાવા (સંન્યાસી બનવા) સંબંધિત વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQ)

શ્રીરામકૃષ્ણ અને સ્વામી વિવેકાનંદના પ્રેરણાદાયી જીવન અને ઉપદેશોના વાંચનથી, ઘણા યુવાનો રામકૃષ્ણ સંઘમાં સંન્યાસી થવાની તીવ્ર ઇચ્છા અનુભવે છે. યુટ્યુબ પર સાંભળેલાં વેદાંતનાં સારગર્ભિત અને સુંદર વ્યાખ્યાનો પણ તેમનામાં સંસારત્યાગની ભાવના ઉત્પન્ન કરી શકે છે. સાંસારિક સંબંધો અને ઉપલબ્ધિઓથી મોહભંગ પણ કેટલાક યુવાનોને આશ્રમના દ્વાર સુધી ખેંચી લાવે છે. વળી, કેટલાક પરોપકારી વૃત્તિના યુવાનો પણ છે, જેઓ રામકૃષ્ણ સંઘના સાધુઓ દ્વારા કરવામાં આવતા સેવા-કાર્યથી પ્રભાવિત થઈને, પોતાને સંઘના સેવા-કાર્ય માટે સમર્પિત કરવા માગે છે. કારણ ગમે તે હોય, તેઓ રામકૃષ્ણ સંઘમાં જોડાતા પહેલાં કેટલાંક વિશેષ પાસાંને ધ્યાનપૂર્વક સમજવા માગે છે. એ ભાવિ-સંન્યાસીઓને નિર્ણય લેવામાં સરળતા રહે, એ ઉદ્દેશ્યથી આ વિષયને સ્પષ્ટતાપૂર્વક અને સંક્ષેપમાં, પ્રશ્ન અને ઉત્તરના માધ્યમથી રજૂ કરવામાં આવ્યો છે.

૧. રામકૃષ્ણ સંઘ એટલે શું?

‘સંઘ’ શબ્દનો અર્થ વર્તમાન સંદર્ભમાં સંન્યાસીઓનો એક સમુદાય છે કે જેઓ સાથે રહે છે અને એકસમાન નિષ્ઠા ધરાવે છે. રામકૃષ્ણ સંઘ એ સંન્યાસીઓની એક સુવ્યાખ્યાયિત સંસ્થા છે, જેના પાયામાં શ્રીરામકૃષ્ણ અને તેમના અગ્રણી શિષ્યો છે, અને તેમાં પણ સ્વામી વિવેકાનંદ મુખ્ય છે. અહીં શ્રીશારદાદેવીનો પણ ઉલ્લેખ કરવો આવશ્યક છે, જેમની આધ્યાત્મિક મહત્તા શ્રીરામકૃષ્ણ જેટલી જ હતી અને જેમણે સંઘની શરૂઆતથી ત્રણ દાયકા કરતાંય વધુ સમય સુધી પોતાના માતૃત્વપ્રેમ અને આધ્યાત્મિક દોરવણીથી સંઘનું માર્ગદર્શન કર્યું હતું. તેમને સંઘજનની તરીકે પણ ઓળખવામાં આવે છે.

વ્યાહારિક દૃષ્ટિએ રામકૃષ્ણ સંઘનો અર્થ બે સંસ્થાઓ – ‘રામકૃષ્ણ મઠ’ અને ‘રામકૃષ્ણ મિશન’ એમ થાય છે, જેનું મુખ્ય મથક બેલુર મઠ (કોલકાતા) ખાતે છે અને વિશ્વભરમાં ૨૦૦થી વધુ શાખાઓ છે. આ જોડિયા સંસ્થાઓનાં ઇતિહાસ, આદર્શ અને પ્રવૃત્તિઓ વિશે વધુ માહિતી માટે, કૃપા કરીને અમારી આ વેબસાઇટની મુલાકાત લઇ શકો છો <www.belurmath.org>.

(આધ્યાત્મિક દૃષ્ટિએ રામકૃષ્ણ સંઘ એ આધ્યાત્મિક પરંપરાને નિર્દેશિત કરે છે, જેમાં શ્રીરામકૃષ્ણ, શ્રીમા શારદાદેવી, સ્વામી વિવેકાનંદ તથા શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ સંન્યાસી અને અન્ય શિષ્યોના જીવનચરિત્ર તથા ઉપદેશો સમાવિષ્ટ છે.)

૨. રામકૃષ્ણ સંઘમાં જોડાવાનો અર્થ શું છે?

રામકૃષ્ણ સંઘમાં જોડાવાનો અર્થ છે પોતાના પરિવાર અને મિત્રોનો ત્યાગ કરી, બધી સાંસારિક કામનાઓ ત્યજીને તથા સુખ અને ચિંતાઓ છોડીને, સંન્યાસી-જીવન અપનાવવું. ત્યાર બાદ તે પોતાનું સંપૂર્ણ જીવન રામકૃષ્ણ સંઘના જ મઠ કે આશ્રમમાં આધ્યાત્મિક સાધના અને નિઃસ્વાર્થ સેવા માટે સમર્પિત કરશે.

૩. રામકૃષ્ણ સંઘમાં જોડાવાની અનિવાર્ય શરતો કઈ છે?

જે ઇચ્છુક યુવકો (કૃપા કરીને ધ્યાન આપશો – યુવતીઓ નહીં) કે જેઓએ ઓછામાં ઓછું સ્નાતક કક્ષા (Graduation) સુધીનું શિક્ષણ મેળવ્યું હોય, અને જેમની ઉંમર ૧૮ થી ૨૮ વર્ષની હોય, તેઓ રામકૃષ્ણ સંઘમાં જોડાઈ શકે છે. એન્જિનિયરિંગ કે મેડિકલ (engineering/medical) માં સ્નાતક તથા અનુસ્નાતક થયેલા યુવકો માટે, ઉપલી વયમર્યાદા ૩૦ વર્ષ છે તથા પશ્ચિમી દેશના યુવકો માટે ૩૬ વર્ષ છે. વધુ જાણકારી માટે કૃપા કરીને મુખ્ય મથક (બેલુર મઠ)ને મેઈલ કરશો <mail@rkmm.org>.

૪. જે યુવતીઓ સંન્યાસ જીવન અપનાવવા માગે છે, તેઓ માટે કયો વિકલ્પ છે?

રામકૃષ્ણ સંઘ ફક્ત ભાઈઓના સંન્યાસ માટેની સંસ્થા છે. યુવતીઓ માટે શ્રીશારદા મઠ નામની રામકૃષ્ણ સંઘ જેવી જ એક સંસ્થા છે, જે અમારા જેવા જ આદર્શને અનુસરે છે. ઇચ્છુક યુવતીઓ શારદા મઠના દક્ષિણેશ્વર, કોલકાતામાં સ્થિત મુખ્ય મથકનો સીધો સંપર્ક સાધી શકે છે. ઈ-મેલ <sardamath.office@gmail.com>

૫. હું પરણિત છું. શું હું રામકૃષ્ણ સંઘમાં જોડાઈ શકું છું?

ક્ષમા કરશો! ફક્ત અપરિણીત ભાઈઓ જ રામકૃષ્ણ સંઘમાં જોડાઈ શકે છે. જેઓ અગાઉ પરણિત હોય, પરંતુ અત્યારે છૂટાછેડા લીધેલા છે, તેઓ પણ સંઘમાં જોડાવા પાત્ર નથી.

પરંતુ તમે અમારી સાથે સ્વયં-સેવક અથવા ભક્ત તરીકે જોડાઈ શકો છો. આ માટે કૃપા કરીને તમે તમારા નજીકના શાખા-કેન્દ્રના અધ્યક્ષ/સચિવનો સંપર્ક કરો. અમારાં બધાં શાખા-કેન્દ્રોના સંપર્કની વિગતો બેલુર મઠની વેબસાઇટ <www.belurmath.org> પર ઉપલબ્ધ છે.

૬. એક વ્યક્તિ કે જે સર્વસ્વ ત્યાગ કરવા ઇચ્છે છે, તેની પાસેથી શૈક્ષણિક લાયકાતની અપેક્ષા કેમ રાખવામાં આવે છે?

જો કે શૈક્ષણિક લાયકાત આધ્યાત્મિક વિકાસ માટેની પૂર્વશરત નથી, છતાં તે નીચે દર્શાવેલ કારણોસર જરૂરી છે:

  1. સંન્યાસી જીવન અંગીકાર કરવું એ એક ખૂબ જ મહત્ત્વપૂર્ણ નિર્ણય છે. આથી આ નિર્ણય સુધી પહોંચવા માટે મનની પરિપક્વતા હોવી આવશ્યક છે. અન્ય બધી બાબતો ઉપરાંત, ઔપચારિક શિક્ષણ આ પરિપક્વતાના વિકાસમાં સહાયક નીવડે છે .
  2. રામકૃષ્ણ સંઘના સંન્યાસીઓએ શાળા, કૉલેજ, હૉસ્પિટલ તથા વિવિધ જનસેવાકીય સંસ્થાઓનું સંચાલન કરવાનું હોય છે. આ ઉપરાંત, તેઓને રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સંમેલનોમાં તથા યુનિવર્સિટીઓમાં વ્યાખ્યાન આપવા માટે પણ આમંત્રિત કરવામાં આવે છે. એક સારી શૈક્ષણિક લાયકાત આ કાર્યોને અસરકારક રીતે પાર પાડવા માટે જરૂરી છે.
  3. કેટલાક યુવાનો નિરાશામાં સપડાઈને અથવા જીવનમાં છેલ્લો ઉપાય સમજીને સંન્યાસી જીવનનું વરણ કરે છે.  હોઈ શકે કે તેઓ પોતાના અભ્યાસ કે પરીક્ષાથી ડરી ગયા હોય કે કદાચ તેમનાં નબળાં શૈક્ષણિક પરિણામોને કારણે પોતાની પસંદગીની નોકરી પ્રાપ્ત કરવામાં નિષ્ફળ રહ્યા હોય કે પછી બીજી કોઈ સમસ્યા હોય. આવા યુવાનો સંસ્થામાં અયોગ્ય રીતે પ્રવેશ ન પામે એ હેતુથી અમે ઉચ્ચ શૈક્ષણિક લાયકાત અને વય-મર્યાદા પર ભાર મૂકીએ છીએ .

૭. હું કૉલેજ / યુનિવર્સિટીનો વિદ્યાર્થી છું. શું હું સંઘમાં જોડાઈ શકું છું?

તમને તમારો અભ્યાસ ચાલુ રાખીને તમારો અભ્યાસક્રમ પૂર્ણ કરવાનું સૂચન આપવામાં આવે છે. તમે ત્યાર બાદ તરત જ સંઘમાં જોડાઈ શકો છો. તમારા અભ્યાસને તમારી ત્યાગની ભાવનાનો પ્રથમ શિકાર ન બનવા દેશો.

તમારો અભ્યાસ પૂર્ણ થાય ત્યાં સુધી, તમે અમારી કોઈ શાખા-કેન્દ્રના સંપર્કમાં રહીને તમારા અનુકૂળ સમયે સ્વયંસેવક તરીકે સેવા આપી શકો છો.

૮. શું હું સંઘમાં જોડાયા બાદ કૉલેજ કે ઉચ્ચ શિક્ષણ ચાલુ રાખી શકું છું?

સામાન્ય રીતે આગંતુકો પાસેથી સંઘમાં જોડાતા પહેલાં પોતાનું ઔપચારિક શિક્ષણ પૂર્ણ કરી લેવાની અપેક્ષા રાખવામાં આવે છે.

૯. મને કેટલીક સ્વાસ્થ્ય-સંબંધી સમસ્યાઓ છે. શું તે મારા સંઘમાં જોડાવાને અડચણ બની શકે છે?

સંઘમાં જોડાવા માટે સારું સ્વાસ્થ્ય મહત્ત્વપૂર્ણ છે કારણ કે એક સંન્યાસી પાસેથી લોકોની સેવા લેવા કરતાં લોકોની સેવા કરવાની અપેક્ષા રાખવામાં આવે છે.

સંઘમાં જોડાવાની પ્રક્રિયાના ભાગરૂપે આગંતુકોએ ફરજિયાતપણે સ્વાસ્થ્ય પરીક્ષણ કરાવવું જરૂરી છે. જે આગંતુકોને અસાધ્ય અથવા એવી કોઈ બીમારી હોય કે જે તેમને શારીરિક કે માનસિક રીતે દુર્બળ બનાવતી હોય, તો તેમને સંઘમાં જોડાવાની અનુમતિ નથી, અન્યથા તેઓ મઠ જીવનની કઠોરતા સહન નહીં કરી શકે તથા સંઘ પર બોજ બની જશે.

૧૦. મેં શ્રીરામકૃષ્ણ કે સ્વામી વિવેકાનંદનાં પુસ્તકો નથી વાંચ્યા. શું હું સંઘમાં જોડાઈ શકું?

તમારે તાત્કાલિક સંઘમાં જોડાવાવું હિતાવહ નથી. કૃપા કરીને પહેલાં તમે સમય કાઢીને, રામકૃષ્ણ-વિવેકાનંદ સાહિત્યના કેટલાંક મહત્ત્વપૂર્ણ પુસ્તકો વાંચો.

અમારા દ્વારા સૂચિત પુસ્તકોની યાદી આ મુજબ છે:

શ્રીરામકૃષ્ણદેવ વિષયક પુસ્તકો:

  • ‘શ્રીરામકૃષ્ણદેવ જીવનચરિત્ર’ – સંકલન

નોંધ: શ્રીરામકૃષ્ણદેવ અંગે સૌથી પ્રમાણભૂત અને બૃહત્ જીવનચરિત્ર ‘શ્રીરામકૃષ્ણ લીલાપ્રસંગ’ છે,  જે શ્રીરામકૃષ્ણદેવના જ સંન્યાસી શિષ્ય સ્વામી સારદાનંદ દ્વારા મૂળ બંગાળી ભાષામાં રચિત ગ્રંથ છે અને તેનો અંગ્રેજીમાં (સ્વામી ચેતનાનંદ દ્વારા) ‘Shri Ramakrishna and His Divine Play’ નામનો અનુવાદ થયેલ છે. લીલાપ્રસંગ (અથવા તેનું અનુવાદિત પુસ્તક) હજાર કરતાં વધુ પૃષ્ઠોવાળું વિશાળ પુસ્તક હોવાથી, અમે ‘શ્રીરામકૃષ્ણદેવ જીવનચરિત્ર’ પુસ્તકની ભલામણ કરી છે. આ લગભગ ૪૫૦ પૃષ્ઠોમાં જીવનચરિત્રનું વર્ણન કરતું સુંદર પુસ્તક છે. સંઘમાં જોડાયા બાદ, નવાગંતુકે લીલાપ્રસંગ મૂળ ગ્રંથ અથવા તેનો અનુવાદ વાંચવો જોઈએ.

–           ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ – શ્રી મહેન્દ્રનાથ ગુપ્ત

નોંધ: આ પુસ્તક મૂળ બંગાળી ભાષામાં લખાયેલ ‘શ્રી શ્રી રામકૃષ્ણ કથામૃત’નો અનુવાદ છે. આ પુસ્તક હિન્દી તથા બીજી અનેક ભાષાઓમાં ઉપલબ્ધ છે.

શ્રીમા શારદાદેવી વિષયક:

–           શ્રીમા શારદાદેવી જીવનચરિત્ર – સ્વામી ગંભીરાનંદ

સ્વામી વિવેકાનંદ વિષયક:

–           યુગનાયક વિવેકાનંદ – સ્વામી ગંભીરાનંદ (બે ખંડમાં)

(મૂળ બંગાળી ભાષામાં લિખિત આ પુસ્તક હિન્દી તથા અન્ય ભાષાઓમાં પણ ઉપલબ્ધ છે)

નોંધ: ઉપર ઉલ્લેખિત પુસ્તક તથા અંગ્રેજીમાં ‘The Life of Swami Vivekananda’ by His Eastern and Western Disciples (in 2 vols.) અમારા સંઘ દ્વારા પ્રકાશિત સ્વામી વિવેકાનંદ વિષયક સૌથી બૃહત્ અને પ્રમાણભૂત જીવનચરિત્રો છે અને આથી જ અમારી પ્રથમ ભલામણ છે. મહાસમાધિ પહેલાં, શ્રીરામકૃષ્ણદેવે સ્વામી વિવેકાનંદને ભાવિસંઘ વિશેની તેમની પરિકલ્પનાઓ પ્રસ્તુત કરી હતી. શ્રીરામકૃષ્ણદેવે સ્વામી વિવેકાનંદને સંન્યાસી શિષ્યોના નેતા બનાવીને પોતાના આધ્યાત્મિક ભાવને મૂર્ત સ્વરૂપ આપવાની જવાબદારી સોંપી હતી, જેથી તેમના મહાન આદર્શો ભાવિ પેઢીઓ માટે આ સંઘના માધ્યમથી જીવંત રહે. વળી શ્રીરામકૃષ્ણદેવના જીવનકાળ દરમિયાન અને પછીનાં વર્ષોમાં તેમના શિષ્યોને એ બાબત વારંવાર દૃઢીભૂત થઈ હતી કે શ્રીરામકૃષ્ણદેવના ઉપદેશોને અન્ય કોઈ કરતાં યોગ્ય રીતે જો કોઈ સમજી શક્યું હોય તો તે છે સ્વામી વિવેકાનંદ. આથી શ્રીરામકૃષ્ણદેવની વિશેષતા તેમજ આ સંઘને યથાર્થ સમજવા માટે, સૌથી પહેલાં સ્વામી વિવેકાનંદના જીવન અને ઉપદેશોનો વિસ્તૃત અભ્યાસ આવશ્યક છે.

પરંતુ જો કોઈને ઉપરોક્ત પુસ્તકો ખૂબ દળદાર જણાય, તો તેઓ નીચે મુજબનના સંક્ષિપ્ત જીવનચરિત્રથી શરૂઆત કરી શકે છે:

  • સ્વામી વિવેકાનંદ જીવનચરિત્ર : સંકલન

શ્રીરામકૃષ્ણદેવના સંન્યાસી શિષ્યો વિષયક:

  • શ્રીરામકૃષ્ણ ભક્તમાલિકા – સ્વામી ગંભીરાનંદ (બે ખંડમાં)

(મૂળ બંગાળી ભાષામાં લિખિત આ પુસ્તક હિન્દી તથા અન્ય ભાષાઓમાં પણ ઉપલબ્ધ છે)

નોંધ: શ્રીરામકૃષ્ણદેવના સ્વામી વિવેકાનંદ ઉપરાંત અન્ય પંદર સંન્યાસી શિષ્યો હતા. સ્વામી વિવેકાનંદના નેતૃત્વ હેઠળ તેઓએ પણ સંઘના ઘડતરમાં તેમજ સ્વામી વિવેકાનંદની મહાસમાધિ બાદ, ત્રીસ વર્ષ કરતાં પણ વધુ સમય સુધી સંઘના વિકાસમાં મહાન યોગદાન આપ્યું હતું. આથી જો તમે તેમાંથી અમુક સંન્યાસી શિષ્યો (જેમ કે સ્વામી બ્રહ્માનંદ, સ્વામી શિવાનંદ, સ્વામી સારદાનંદ, સ્વામી અખંડાનંદ, સ્વામી પ્રેમાનંદ અને સ્વામી રામકૃષ્ણાનંદ)નું જીવનચરિત્રનું વાંચન કરશો, તો રામકૃષ્ણ સંઘમાં સંન્યાસી જીવન શું છે તે વિશે વધુ સારી રીતે અવગત થઈ શકશો. આથી અમે ઉપરોક્ત પુસ્તકોની ભલામણ કરીએ છીએ.

આધ્યાત્મિક માર્ગદર્શન:

–           ધ્યાન, ધર્મ અને સાધના – સ્વામી બ્રહ્માનંદ

–           આનંદધામના પથ પર – સ્વામી શિવાનંદ

–           પરમાર્થ પ્રસંગ – સ્વામી વિરજાનંદ

સ્વામી વિવેકાનંદ વિષયક સૂચિત પુસ્તકો:

–           ભારતમાં આપેલાં ભાષણો

–           સ્વામી વિવેકાનંદના પ્રેરણાદાયી પત્રો

–           કર્મયોગ

–           ભક્તિયોગ

–           જ્ઞાનયોગ

(આ બધાં પુસ્તકો હિન્દી તથા અન્ય ભાષાઓમાં ઉપલબ્ધ છે)

  • ઉપરોક્ત પુસ્તકો ખરીદવા માટે કૃપા કરીને અમારી વેબસાઇટની મુલાકાત લો: https://istore.rkmrajkot.org
  • અંગ્રેજી તથા હિન્દી ભાષામાં પુસ્તકો ખરીદવા માટે :

https://www.rkmnstore.org

https://shop.advaitaashrama.org

૧૧. હું વેદાંતનો ગહન અભ્યાસ કરવા ઇચ્છુક છું. શું મને સંઘમાં જોડાયા પછી તેની તક મળશે?

હા, સંઘમાં વેદાંત સાહિત્ય જેમ કે ભગવદ્ ગીતા અને ઉપનિષદના અધ્યયન માટે ઘણી તક ઉપલબ્ધ છે. સંઘમાં જોડાયાનાં ત્રણ વર્ષ બાદ દરેક બ્રહ્મચારીને બેલુર મઠ સ્થિત બ્રહ્મચારી પ્રશિક્ષણ કેન્દ્ર (TC) માં બે વર્ષ સુધી સઘન અભ્યાસક્રમની તાલીમમાંથી પસાર થવું પડે છે, જ્યાં વેદાંત સહિત બીજા અનેક આધ્યાત્મિક વિષયોનો અભ્યાસ કરાવવામાં આવે છે.

શ્રીરામકૃષ્ણદેવ, શ્રીમા શારદાદેવી, સ્વામી વિવેકાનંદ તથા અન્ય સંન્યાસી શિષ્યોનાં જીવન અને ઉપદેશ પણ એક અર્થમાં વેદાંત જ છે કારણ કે તેઓએ વેદાંતિક સત્યોની અનુભૂતિ કરી હતી તથા પોતાના જીવન દ્વારા નિદર્શિત કર્યા હતા. પાંડિત્ય પ્રાપ્ત કરવા માટે નહીં, પરંતુ શાસ્ત્રવિધાનમાં દૃઢનિષ્ઠા ધારણ કરવા અને તેની પ્રત્યક્ષ અનુભૂતિ કરાવવાના ઉદ્દેશથી સંઘનાં સંન્યાસીઓને શાસ્ત્રાધ્યયન કરવાનું શીખવવામાં આવે છે. બ્રહ્મચારી પ્રશિક્ષણ કેન્દ્રમાં (TC) તથા સમસ્ત સંઘમાં જીવનચર્યા એ રીતે નિર્ધારિત કરવામાં આવી છે કે જેથી સંન્યાસીઓ અને નવાગંતુકો આધ્યાત્મિક વિકાસ સાધી શકે.

૧૨. હું જન્મથી હિંદુ નથી. શું હું સંઘમાં જોડાઈ શકું?

તેમાં કોઈ સમસ્યા નથી. રામકૃષ્ણ સંઘમાં બધા જ ધર્મ, રાષ્ટ્ર અને જાતિના લોકોનું સ્વાગત છે કે જેઓ ત્યાગમય પવિત્ર જીવનયાપન કરવા માગે છે તથા જેમાં “બધા જ ધર્મો એક જ સત્ય પ્રતિ દોરી જાય છે” તથા “જીવસેવા એ જ ઈશ્વરની સેવા છે”, એવા શ્રીરામકૃષ્ણદેવ પ્રબોધિત તથા આચરિત આદર્શનો સ્વીકાર કરવા તત્પર છે.

૧૩. હું શ્રીકૃષ્ણ (કે શિવ, કાલી, ઈશુ ખ્રિસ્ત કે અન્ય દેવી–દેવતા) નો ઉપાસક છું. શું હું સંઘમાં જોડાઈ શકું?

તમારું સ્વાગત છે! જો તમને શ્રીરામકૃષ્ણ પ્રત્યે શ્રદ્ધા હોય તથા તેમના ઉપદેશોમાં વિશ્વાસ ધરાવતા હો, તો તમે સંઘમાં જોડાઈ શકો છો.

૧૪. શું હું દેશની સેવા કરવા, અને વિશેષ કરીને ગરીબ અને નિરાધાર લોકોની સેવા કરવા સંઘમાં જોડાઈ શકું?

હા, તમે સંઘમાં જોડાઈ શકો, પરંતુ એ શરતે કે તમે તમારા સેવાના આદર્શને ઉદાર બનાવવા તૈયાર હો. અમારી સંસ્થા અન્ય સંસ્થાઓની માફક ફક્ત સમાજસેવામાં પ્રવૃત્ત બિન-સરકારી સેવાકીય સંસ્થા (NGO) નથી. અમારો આદર્શ સ્વયં સ્વામી વિવેકાનંદ દ્વારા પ્રદત્ત ‘આત્મનો મોક્ષાર્થં જગદ્ધિતાય ચ’ (સ્વયંની મુક્તિ અને જગતનું કલ્યાણ) છે. આધ્યાત્મિકતા એ અમારી સંસ્થાનો આધાર, પ્રેરકબળ તથા અંતિમ લક્ષ્ય છે. અમારા સંન્યાસીઓ સેવાકીય પ્રવૃત્તિઓને પોતાની આધ્યાત્મિક સાધનાનું જ એક બીજું રૂપ માને છે. તેથી સંઘના સંન્યાસી માટે આ આધ્યાત્મિક દૃષ્ટિબિંદુ અનિવાર્ય છે (ન કે ફક્ત કરુણાદ્રવિત હૃદય કે દેશભક્તિની ભાવના).

૧૫. હું સંન્યાસી બનવા માગુ છું, પરંતુ મારા માતા-પિતા તેના વિરુદ્ધમાં છે. મારે શું કરવું જોઈએ?

જો કે માતા-પિતાની સંમતિ સંઘમાં જોડાવા માટે ઇચ્છનીય છે, પરંતુ તમે પુખ્ત વયના છો, તેથી અમે તે ફરજિયાત નથી સમજતા. કોઈ માતા-પિતા જવલ્લે જ પોતાના પુત્રને સંન્યાસી બનવા માટે પ્રેરિત કરતાં હોય છે. મોટે ભાગે સંન્યાસી બનવા ઇચ્છુક યુવાને માતા-પિતાનો વિરોધ અથવા તો અત્યંત રોષનો સામનો કરવો પડે છે. પરંતુ જો તમને ખાતરી હોય કે તમે સંન્યાસી-જીવન સાંસારિક સુખોથી વિતૃષ્ણાને કારણે અંગીકાર કરવા માગો છો, ન કે પોતાની જવાબદારીથી છૂટી જવા માટે, તો તમને કંઈ પણ રોકી શકે નહીં. સાથોસાથ એ પણ હકીકત છે કે મોટા ભાગનાં માતા-પિતા અમુક વર્ષો બાદ આ નિર્ણયને આવકારે છે તથા એ વિશે ગર્વ પણ અનુભવે છે.

પરંતુ વિરોધ તથા પ્રતિકારની સ્થિતિમાં, તમારે યાદ રાખવું ઘટે કે સંન્યાસી જીવન એ સદીઓ જૂની પરંપરા છે તેમજ શાસ્ત્રવિહિત છે. જાબાલોપનિષદ્ કહે છે કે, “यदहरेव विरजेत् तदहरेव प्रव्रजेत्” અર્થાત્ જ્યારે પણ વૈરાગ્ય ઉત્પન્ન થાય, તે જ સમયે સંસારનો ત્યાગ કરવો જોઈએ.

૧૬. શું હું સંઘમાં જોડાયા પછી પણ મારાં માતા-પિતા અને સંબંધીઓ સાથે સંપર્કમાં રહી શકું?

નવા આગંતુકને શરૂઆતનાં વર્ષોમાં જરૂર જણાય તો માતા-પિતા સાથે વાત કરવા તથા તેમના ખબર-અંતર પૂછવાની અનુમતિ હોય છે. પરંતુ એક સંન્યાસીએ પોતાના પૂર્વાશ્રમની બધી જ આસક્તિઓનો ક્રમશઃ ત્યાગ કરવાનો હોય છે. કેમ કે આ રાતોરાત પ્રાપ્ત થનારી અવસ્થા નથી, આથી સાંસારિક સંબંધોને ધીમે ધીમે ત્યજીને, અનાસક્તિની ભાવના કેળવવી જરૂરી છે.

૧૭. મારા નામે થોડીક સંપત્તિ છે. જો હું સંઘમાં જોડાઈ જાઉં, તો તેનું શું થશે?

સંન્યાસનો અર્થ છે બધી જ પ્રકારની વ્યક્તિગત સંપત્તિનો ત્યાગ. આ વિષયમાં હિંદુ શાસ્ત્ર અને કાયદો, બંને એકમત છે. તમારે સંઘમાં જોડાયા પહેલાં પોતાના નામે નોંધાયેલ જંગમ અને સ્થાવર સંપત્તિની પોતાની ઇચ્છાનુસાર વ્યવસ્થા અને સોંપણી કરવી જરૂરી છે. કોઈ કારણોસર સંઘમાં જોડાતા પહેલાં જો તમે તે ન કરી શકો, તો સંઘમાં જોડાયા બાદ બને તેટલી જલદી તે માટેની પ્રક્રિયા હાથ ધરવી જરૂરી છે.

૧૮. શું મને સંઘમાં જોડાયા પછી વેતન મળશે?

અમારા સંઘમાં સંન્યાસીઓને કંઈ પણ મહેનતાણું આપવામાં આવતું નથી, કારણ કે તે સંન્યાસના આદર્શથી વિપરીત છે. સંન્યાસી જીવન એ વેતન મેળવવાની અપેક્ષાથી કરવામાં આવતી નોકરી નથી. અહીં તમે સ્વેચ્છાથી તથા સંપૂર્ણપણે, તમારા દેહ અને મનને તેમજ તમારી આવડત અને ક્ષમતાને, કોઈ પણ ભૌતિક લાભની અપેક્ષા વિના સંઘને સમર્પિત કરો છો.

૧૯. જો હું સંઘમાં જોડાઉં, તો મારી વ્યક્તિગત આવશ્યકતાઓનું ધ્યાન કોણ રાખશે? તથા વૃદ્ધાવસ્થામાં મારી સંભાળ કોણ લેશે?

સંન્યાસ ગ્રહણ કરવાનો અર્થ છે કે દરેક બાબત માટે ઈશ્વર પર સંપૂર્ણપણે નિર્ભર રહેવું. તેમ છતાં, સંઘ તમારું ધ્યાન રાખશે અને દરેક પરિસ્થિતિમાં તમને સહાયતા પ્રદાન કરશે. તે વિશે ચિંતા કરવાની કોઈ આવશ્યકતા નથી.

૨૦. સંઘમાં જોડાયા પછી મારો પહેરવેશ કેવો રહેશે?

સંઘના સભ્યો સામાન્ય રીતે પહેરણ (કોલર વિનાનું), ધોતી અને ઉત્તરીય (પહેરણની ઉપર રાખવામાં આવતું વસ્ત્ર) ધારણ કરે છે. વસ્ત્રનો રંગ બ્રહ્મચારીઓ માટે સફેદ તથા સંન્યાસીઓ માટે ભગવો રહેશે.

૨૧. જો હું સંઘમાં આવતીકાલે જોડાઉં, તો સંન્યાસી થવામાં કેટલો સમય લાગશે?

ઓછામાં ઓછાં નવ વર્ષ. આ સમયગાળો આગંતુકને સંન્યાસનું અંતિમ વ્રત લેતાં પહેલાં સ્વયંને તૈયાર કરવાના ઉદ્દેશ્યથી આપવામાં આવે છે. અંતે જ્યારે તમે સંન્યાસ ધારણ કરો, ત્યારે તમને આગળ ‘સ્વામી’ અને અંતમાં ‘આનંદ’ ઉપાધિવાળું નવું નામ આપવામાં આવે છે.

૨૨. સંઘમાં જોડાયા બાદ મારે શું કરવાનું રહેશે?

સંઘમાં જોડાયા બાદ તમારે સંપૂર્ણ જીવન ‘આત્મનો મોક્ષાર્થં જગદ્ધિતાય ચ’ – સ્વયંની મુક્તિ અને જગતનું કલ્યાણ – આ બે આદર્શોને સમર્પિત કરવાનું રહેશે. શેષ જીવન તમે આધ્યાત્મિક સાધના અને નિઃસ્વાર્થ સેવામાં જ વ્યતીત કરશો. આધ્યાત્મિક સાધનાનો અર્થ છે જપ, ધ્યાન, પ્રાર્થના, ઉપાસના, વેદપાઠ, ભજન, શાસ્ત્રાભ્યાસ તથા અન્ય સાધના. તેમાં પણ જપ અને ધ્યાનનો નિયમિત અભ્યાસ અત્યંત આવશ્યક છે. આમાંથી અમુક સાધના તમારે જાતે કરવાની રહેશે, જ્યારે બીજી અન્ય સંન્યાસી-બંધુઓ સાથે કરવાની રહેશે. આ સાથે સાથે તમારે સમાંતર ઉત્સાહ અને પ્રામાણિકતા સાથે નિઃસ્વાર્થ સેવામાં પ્રવૃત્ત થવાનું રહેશે અને એ રીતે સંસ્થાની સેવાકીય પ્રવૃત્તિઓમાં પોતાનો ભાગ ભજવવાનો રહેશે. તમે સંઘ માટે અથવા લોકોની સેવા માટે જે કઈ કરો તે ઉપાસનાની ભાવનાથી કરવાની અપેક્ષા રાખવામાં આવે છે, જેથી તે આધ્યાત્મિક સાધનાનું જ એક અંગ બની શકે.

આ જીવનચર્યા અનુસરતા રહીને, તમે સાધુત્વના ગુણો જેમ કે પવિત્રતા, ભક્તિ, અનાસક્તિ, નિઃસ્વાર્થતા, સત્ય અને બ્રહ્મચર્ય જેવા ગુણો વિકાસી શકશો અને ઈશ્વરપ્રાપ્તિ કરી શકશો.

૨૩. રામકૃષ્ણ સંઘમાં આધ્યાત્મિક સાધના કઈ પદ્ધતિથી થાય છે?

અહીંયાં કર્મયોગ, ભક્તિયોગ, રાજયોગ અને જ્ઞાનયોગ – આ ચારેય યોગના સમન્વયથી આધ્યાત્મિક સાધના કરવામાં આવે છે. આ પદ્ધતિ વ્યક્તિત્વના સર્વાંગીણ વિકાસમાં સહાયક નીવડે છે. જો કોઈ (અગાઉના પ્રશ્નના ઉત્તરમાં વિસ્તારથી જણાવેલ પદ્ધતિનું) દૃઢ વિશ્વાસ સાથે અનુસરણ કરે, તો તે ખૂબ સહજતાથી ચાર યોગનો સમન્વય સાધી શકે છે. સ્વામી વિવેકાનંદ દ્વારા પ્રસ્થાપિત સંઘનું પ્રતીક-ચિહ્ન ચાર યોગના સમન્વયને ખૂબ સુંદર રીતે પ્રસ્તુત કરે છે.

 ૨૪. હું બ્રહ્મચારી જીવનચર્યા અંગે વધુ જાણવા માગું છું. આ માટે કંઈ માર્ગદર્શન કે વાંચવાનું સૂચન મળશે?

સ્વામી વિવેકાનંદના બ્રહ્મચર્ય (આત્મસંયમ) સંબંધિત વિવિધ સ્રોતથી એકત્રિત કરેલા વિચારો અહીં મળી રહેશે <https://workdrive.zohopublic.in/file/pbky37f1524b586c5443e95009a109ab207fd&gt;

આ ઉપરાંત, તમને નીચે દર્શાવેલ બે પુસ્તકોમાં પણ ખૂબ જ ઉપયોગી માર્ગદર્શન મળશે:

  • સ્વામી શ્રીકાંતાનંદ કૃત ‘Youth! Arise Awake and Know Your Strength’ પુસ્તકમાં બ્રહ્મચર્ય વિશેનું પ્રકરણ
  • સ્વામી અશોકાનંદ કૃત ‘Spiritual Practice’ પુસ્તકમાં બ્રહ્મચર્ય વિશેનું પ્રકરણ

૨૫. શું સંઘમાં કોઈ આચાર્ય છે, જે મારા સંઘમાં જોડાયા પછી માર્ગદર્શન કરી શકે?

હા, તમારી જિજ્ઞાસાના આધારે વરિષ્ઠ સંન્યાસીઓ તમને સંન્યાસ જીવન સંબંધિત દરેક બાબતમાં માર્ગદર્શન કરશે. તમે યોગ્ય માર્ગ પર જઈ રહ્યા છો કે નહીં તેના પર પણ તેઓ ધ્યાન રાખશે.

૨૬. મારી અત્યાર સુધી મંત્ર-દીક્ષા થઈ નથી. મારે શું કરવું જોઈએ?

મંત્ર-દીક્ષા એક પવિત્ર વિધિ છે, જેમાં ગુરુ સાધકને મંત્ર (ભગવાનનું પવિત્ર નામ) પ્રદાન કરે છે. ગુરુ તે મંત્રનું રટણ કેવી રીતે કરવું (અર્થાત્ કેવી રીતે જપ કરવા) અને કેવી રીતે ધ્યાન કરવું, તે વિશે માર્ગદર્શન પણ આપે છે. અમારા સંઘમાં ફક્ત સંઘાધ્યક્ષ અને સંઘ-ઉપાધ્યક્ષ જ મંત્ર-દીક્ષા પ્રદાન કરે છે. જો તમે હજી સુધી મંત્ર-દીક્ષા ન લીધી હોય, તો સંઘમાં જોડાવાના થોડા સમયમાં જ તે માટેની વ્યવસ્થા કરી આપવામાં આવશે.

૨૭. શું હું સંઘના કોઈ પણ શાખા-કેન્દ્રમાં જોડાઈ શકું છું?

અમુક શાખા-કેન્દ્રોને બાદ કરતાં, અમારાં બધાં જ શાખા-કેન્દ્રો નવાગંતુકોને સ્વીકારે છે, તદુપરાંત વિદેશ સ્થિત શાખા-કેન્દ્રો પણ નવાગંતુકોને સ્વીકારે છે. તમે બેલુર મઠમાં પણ જોડાઈ શકો છો. ત્યાં નવા આગંતુકો માટે પ્રિ-પ્રોબેશનર ટ્રેનિંગ સેન્ટર (PPTC) ની વ્યવસ્થા છે.

આગળ જણાવ્યા અનુસાર, ભલે તમે કોઈ પણ શાખા-કેન્દ્રમાં જોડાઓ, તમને બેલુર મઠ સ્થિત બ્રહ્મચારી પ્રશિક્ષણ કેન્દ્રમાં (TC) માં બે વર્ષ રહેવાની તક અવશ્ય મળશે.

૨૮. બેલુર મઠમાં જોડાવાની શું વિશેષતા છે?

બેલુર મઠ એ રામકૃષ્ણ સંઘનું હૃદય છે, જે સંઘનો મુખ્ય મઠ પણ છે. અહીં સ્વામી વિવેકાનંદ સહિત શ્રીરામકૃષ્ણદેવના અમુક સંન્યાસી શિષ્યોએ નિવાસ કર્યો હતો. અહીં અમારું મુખ્ય કાર્યાલય પણ સ્થિત છે. આ સ્થાન સાથે સંકળાયેલ પવિત્ર સ્મૃતિઓના કારણે, અમુક યુવાનો પોતાના સંન્યાસી જીવનનો આરંભ અહીંથી જ કરવા માગે છે. તેઓને PPTC માં ૬ થી ૧૨ મહિના સુધી રાખીને, અન્ય શાખા-કેન્દ્રોમાં મોકલી આપવામાં આવે છે.

૨૯. અમારી નજીકમાં એક રામકૃષ્ણ આશ્રમ છે. શું હું ત્યાં જોડાઈ શકું છું?

શ્રીરામકૃષ્ણ કે સ્વામી વિવેકાનંદના નામે ચાલતા બધા જ આશ્રમો જરૂરી નથી કે અમારાં શાખા-કેન્દ્ર જ હોય. આથી કૃપા કરીને ખાતરી કરી લો કે જે તે આશ્રમ એ અમારું અધિકૃત શાખા-કેન્દ્ર છે કે નહીં. અમારાં અધિકૃત શાખા-કેન્દ્રોની સૂચિ અમારી વેબસાઇટ <www.belurmath.org> પર ઉપલબ્ધ છે.

૩૦. મને સંઘનું એક ચોક્કસ શાખા-કેન્દ્ર ગમે છે. શું હું મારું સમસ્ત જીવન ત્યાં સંન્યાસી તરીકે વિતાવી શકું?

તમે સંઘના જે તે વિશેષ શાખા-કેન્દ્રમાં જોડાઈ શકો છો અને અધિકતમ ત્રણ વર્ષ સુધી ત્યાં રહી શકો છો. ત્યાર બાદ તમને સંઘના કયા શાખા-કેન્દ્રમાં મોકલવા એ બેલુર મઠના વરિષ્ઠ સંન્યાસીઓ પર નિર્ભર રહેશે.

જે તે શાખા-કેન્દ્રમાં સમસ્ત જીવન વ્યતીત કરવાની અભિલાષા રાખવી એ મઠ-જીવનની ભાવનાથી વિપરીત છે. તમે જે તે કેન્દ્રમાં જોડાઈ શકો છો અને વધુમાં વધુ ત્રણ વર્ષ માટે ત્યાં રહી શકો છો. ત્યાર પછી બેલુર મઠના વરિષ્ઠ સંન્યાસીઓ દ્વારા લેવાયેલ વિવેકપૂર્ણ નિર્ણય અનુસાર તમને જે શાખા-કેન્દ્રમાં મોકલવામાં આવે, ત્યાં જવા માટે તમારે તૈયાર રહેવું પડશે.

૩૧. શું મને વિદેશમાં પ્રચાર–કાર્ય કરવાનો અવસર મળશે?

કદાચ મળી પણ શકે કે ન પણ મળે. મુખ્ય કાર્યાલયના પદાધિકારીઓ વિવિધ પરિબળો વિશે ચિંતન કરીને જ નિર્ણય લે છે કે વિદેશમાં કોને મોકલવાના છે. પોતાની પસંદગી અને નાપસંદગીનો ત્યાગ કરીને જ, અને ઈશ્વર પ્રત્યે સંપૂર્ણ શરણાગતિની ભાવના સાથે જ સંઘમાં જોડાવું શ્રેષ્ઠ છે.

૩૨. શું તમે સંન્યાસી જીવન અને ખાસ કરીને રામકૃષ્ણ સંઘ વિશે વધુ માહિતી મેળવવા માટે કોઈ પુસ્તકનું સૂચન કરી શકો?

ઉપર પ્રશ્ન નં. ૧૦ના ઉત્તરમાં સૂચવેલા પુસ્તકો પૂરતા હોવા જોઈએ. તેમ છતાં, તમે નીચે મુજબના બે પુસ્તકો વાંચી શકો છો:

  • સ્વામી ભજનાનંદજી કૃત : The Glory of Monastic Life
  • Monasticism ‒ Ideal and Traditions: ‘વેદાંત કેસરી’ સામયિકની પ્રસ્તુતિ

૩૩. ધારો કે હું સંઘમાં ટકી રહેવા અસમર્થ છું, તો શું હું સંઘ છોડી શકું?

હા, તમે સંઘ જીવનનો કોઈ પણ સમયે ત્યાગ કરી શકો છો. લોકો સ્વેચ્છાથી આ જીવન અંગીકાર કરે છે તથા સ્વેચ્છાથી તેને ત્યજી પણ શકે છે. જો કોઈ સંઘનો ત્યાગ કરે, તો બંને પક્ષ પર કોઈ પણ પ્રકારનું કાયદાકીય કે નાણાકીય બંધન નથી હોતું! સંઘ છોડવાનો અર્થ એ નથી કે તમારી આધ્યાત્મિક સાધનાનો અંત આવી ગયો. તમે જ્યાં પણ હો, ત્યાં તે ચાલુ રાખી શકો છો.

૩૩. ઠીક છે. મારા બધા પ્રશ્નોના ઉત્તર મને મળી ગયા. હજી પણ હું એ નિર્ણય નથી લઈ શકતો કે સંઘમાં જોડાઉં કે પરિવારમાં સામાન્ય જીવન વ્યતીત કરું? શું તમે મારું માર્ગદર્શન કરી શકો?

આ એવી બાબત છે કે જે વિશે ફક્ત તમારે જ નિર્ણય લેવાનો છે. તમારી અભિરુચિ શામાં છે તે સમજવા પોતાના મનનો અભ્યાસ કરો. મનને દૃઢ અને સ્થિર કરવા માટે ભગવાનને હૃદયપૂર્વક પ્રાર્થના કરો. આ બાબતમાં તમે સુવિજ્ઞ લોકોની સલાહ મેળવો, પરંતુ અંતિમ નિર્ણય તમારા અંતરાત્માથી જ પ્રેરિત હોવો જોઈએ.